એક ડોક્ટર એક વખત એમના ઘરથી ખૂબ દૂર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા. એમનું નામ હતું ડોક્ટર એહમદ. એ એક મેડિકલ કોન્ફરન્સ માં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા.આ એક એવી કોન્ફરન્સ હતી જેના માટે ડૉ.એહમદ ખૂબ જ ઉત્સુક હતા.એમણે રોગોની સારવાર અંગે કરેલી એક ખૂબજ અગત્યની શોધ માટે એમને એમાં એવોર્ડ મળવાનો હતો. છેલ્લાં ઘણાં વરસોથી એમણે દિવસરાત જોયા વગર સંશોધન કામ કર્યું હતું. એ બધી મહેનત આખરે ફળી હતી અને એના ફળસ્વરૂપે તેઓ એ એવોર્ડ ના હકદાર બન્યા હતા.
ડૉકટરને મનોમન ભારે રોમાંચ થઈ રહ્યો હતો. ક્યારે એ શહેર માં પહોંચી જવાય એની તાલાવેલી એમના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતી હતી. પ્લેનમાં બેસી ગયા પછી પણ એ વારંવાર પોતાની ઘડિયાળ સામે જોઈ લેતા હતા. થોડી થોડી વારે એમનું મન કોન્ફરન્સ ના વિચારોમાંજ લાગી જતું હતું. ‘ બસ! હવે ફક્ત બે જ કલાક ! અને પછી ત્યાં! ’ એવો વિચાર પણ એમના મનમાં ઝબકી જતો હતો.
પરંતુ એજ વખતે અચાનક જ વિમાનના પાઈલટે જાહેરાત કરી કે વિમાનના એન્જિન માં ગંભીર તકલીફ ઊભી થવાના કારણે એમણે નજીકના કોઇપણ એરપોર્ટ પર તાત્કાલિક ઉતરાણ કરવું પડશે ! ડૉકટરના મનમાં ફાળ પડી. સમયસર કૉન્ફરન્સમાં નહીં પહોંચી શકાય એવી ચિંતા પણ એમને થઈ આવી. પરંતુ આવા આકસ્મિક સંજોગોમાં વિમાને ઉતરાણ કરવું જ પડે તેમ હતું. ડો.એહમદ મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યા.
જેવું વિમાને નજીકના એક નાના એરપોર્ટ પર ઉતરાણ કર્યું કે તરત જ ડૉકટર દોડતા હેલ્પડેસ્ક પર પહોંચ્યા. ત્યાં મદદ માટે ઊભેલી સ્ત્રીને પોતાની પરિસ્થિતિ સમજાવી. જેટલું બને તેટલું ઝડપથી પોતાને કોન્ફરન્સમાં પહોંચવું પડે તેવું છે એ પણ કહ્યું. પોતાને ત્યાં પહોંચવા માટેની સૌથી પહેલી ફ્લાઈટમાં બુકિંગ કરી આપવાની એમણે વિનંતી કરી. એકાદ બે કલાકમાં જ કોઈ ફ્લાઈટ હોય તો વધારે સારું એવું ભાર દઈને જણાવ્યું.
‘માફ કરજો સર!’ પેલી સ્ત્રીએ કહ્યું, ‘તમારે જ્યાં પહોંચવાનું છે એ શહેર તરફ જવા માટે આવતા દસ કલાક સુધી અહીંથી બીજી કોઈ પણ ફ્લાઈટ નથી. પરંતુ તમને વાંધો ન હોય તો હું એક સૂચન કરું. એરપોર્ટની બહાર થી જ કાર ભાડે મળે છે. જો તમારી પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હોય તો આરામથી ચારેક કલાકમાં તમે ત્યાં પહોંચી શકો છો . ટેક્સી કરતા એ ઘણું સસ્તું પણ પડશે અને મારા માનવા પ્રમાણે તમારા માટે એ એક ખૂબ સારો વિકલ્પ છે!’
ડૉકટર એહમદ ને એ સૂચન ખૂબ ઉપયોગી લાગ્યું. એમના માટે આમેય હવે બહુ વિકલ્પ બચ્યા જ નહોતા. એમણે એક કાર ભાડે કરી લીધી. આમ તો લોંગ ડ્રાઈવ નો એમને ખૂબ કંટાળો આવતો પરંતુ એ દિવસે એમ કર્યા વિના છૂટકો પણ નહતો. એમના મનમાં ફરીથી એક વખત કોન્ફરન્સ ના વિચારો શરૂ થઈ ગયા. થોડીક ક્ષણો માટે દબાઈ ગયેલો એ રોમાંચ ફરીથી જાગૃત થઈ ગયો.
પરંતુ એ દિવસે કુદરત પણ જાણે ડોક્ટરની વિરુદ્ધ માં બરાબરનો જંગ માંડીને બેઠો હોય એવું લાગતું હતું. ડૉકટરે હજુ તો માંડ સોએક કિલોમીટર જ કાપ્યા હશે ત્યાં જ વાતાવરણ માં ભયંકર પલટો આવવનું શરૂ થઈ ગયું. વાવાઝોડા જેવો પવન શરૂ થઈ ગયો. થોડીવારમાં જ અનરાધાર વરસાદ વરસવા માંડ્યો. એ વરસાદ માં વચ્ચેવચ્ચે બરફના કરા પણ પડતા હતા.
ડૉકટરને કાર ચલાવવામાં મુશ્કેલી પડવા માંડી. આગળ રસ્તો જોવામાં પણ તકલીફ પડતી હતી. આગળના કાચમાં જામતું પોતાના જ ઉચ્છવાસ ની વરાળનું પડ એ મુશ્કેલીમાં ઔર વધારો કરતું હતું. વરસાદ ઓછો થવાને બદલે દરેક ક્ષણ વધારે ને વધારે રૌદ્ર સ્વરૂપ પકડતો હતો. આટલો બધો ભયંકર વરસાદ, ધૂંધળો રસ્તો અને અજાણ્યો પ્રદેશ! એ બધાંને કારણે ડૉકટર એહમદ રસ્તો ભૂલી ગયા. એક જગ્યા એ જ્યાં વળવાનું હતું એ ટર્ન નું સાઈન બોર્ડ એમને દેખાયું જ નહી! વળવાને બદલે એ આગળ નીકળી ગયા.
બીજા ત્રણેક કલાક ડ્રાઈવ કર્યા પછી વરસાદ તો ઓછો થયો પરંતુ ડોક્ટરને શંકા ગઈ કે પોતે રસ્તો ભૂલી ગયા છે. પરંતુ હવે એ રસ્તે પાચા ફરતાં પહેલા થોડા આરામ ની તેમજ પેટમાં કંઈક નાખવાની જરૂરિયાત પણ ઉભી થઈ ગઈ હતી. એ રસ્તો એવો નિર્જન હતો કે રસ્તાની બાજુમાં કોઈ ધાબા કે રેસ્ટોરન્ટ પણ દેખાતા નહોતાં. કોઈ ગામ જો દેખાય જાય તો એના કોઈ રહેવાસીનું માર્ગદર્શન મેળવી શકાય એ આશાએ ડૉકટર કાર ચલાવ્યે જતા હતા .
ઘણા વખત સુધી કોઈ ગામ દેખાતું નહીં. હવે એમને બરાબરનો થાક લાગ્યો હતો. હવે તો કોન્ફરન્સના વિચારો પણ બંધ થઈ ગયા હતા અને ત્યાં પહોંચવાની એમની ઉત્સુકતા પણ મરી પરવારી હતી. બસ,હવે તો એકાદ ગામ દેખાઈ જાયતો ઊભા રહી જવું એ એક જ વિચાર એમને આવતો હતો. અચાનક રસ્તાની બાજુમાં આવેલા એક જર્જરિત મકાન પર એમનું ધ્યાન પડ્યું. દૂર ગામ પણ દેખાતું હતું. પરંતુ ડૉકટર એટલા થાક્યા હતા કે એ ઘર નજરે પડતા જ એમનાથી બ્રેક લાગી ગઈ. કારમાંથી ઊતરીને એમણે એ ઘરનો દરવાજો ખખડાવ્યો.
એક વૃદ્ધ સ્ત્રીએ દરવાજો ખોલ્યો. દરવાજો અધૂકડો રાખીને એણે આ માણસ
કોણ છે, ક્યાંથી આવે છે, શું કામથી આવે છે, એવું બધું પૂછ્યું, ડૉકટર એહમદે પોતે રસ્તો ભૂલી ગયા છે એ કહ્યું. ઘણા કલાક ના ડ્રાઈવિંગ થી પોતે ખૂબજ થાક્યા છે એ પણ જણાવ્યું. ઘરમાં જો ટેલિફોન હોય તો પોતે ઉપયોગ કરવા માંગે છે એવું પણ કહ્યું.
પોતાના ઘરમાં ટેલિફોન નથી તેમજ છેલ્લાં ૨૪ કલાકથી લાઈટ પણ નથી એવું જણાવીને એ સ્ત્રીએ ઘરનો દરવાજો ખોલી નાખ્યો. પછી કહ્યું, ‘જો ભાઈ ! તમારે ઉતાવળ ન હોય તો તમે ઘડીક અંદર આવી શકો છો અને વાંધો ન હોય તો મારે ત્યાં થોડુંક ખાઈને પછી આગળ વધજો ! તમારો ચહેરો જોતાં તમે ખૂબ જ થાક્યા હો એવું લાગે છે !’
ડૉકટર એહમદે બે ક્ષણ વિચાર કર્યો. થાક અને ભૂખ તો લાગ્યા જ હતાં. ઉપરાંત એ અજાણ્યા પ્રદેશમાં રસ્તો શોધવામાં અને મૂળ રસ્તે ફરીથી ચડવામાં કેટલો સમય લાગે એ પણ નક્કી નહોતું. એમણે એ વૃદ્ધ સ્ત્રીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો.
હાથ-મોં ધોઈને ડૉકટર ડાઈનિંગ ટેબલ પર નાસ્તાને ન્યાય આપવા બેઠા. આટલા થાક પછી ગરમ નાસ્તો અને ચા મળવાથી એમને ઘણું સારું લાગતું હતું.
‘ભાઈ ! તમને વાંધો ન હોય તો હું પ્રાર્થના કરી લઉં? મારી પ્રાર્થના નો સમય થઈ ગયો છે!’ પેલી સ્ત્રી એ કહ્યું.
ડૉકટરે હકારમાં માથું હલાવ્યું.
ચાની ચૂસકી લેતા લેતા મીણબત્તી ના ઝાંખા અજવાળા માં ડૉકટરે જોયું કે પેલી સ્ત્રી એક ઘડિયાની બાજુ માં બેસીને પ્રાર્થના કરી રહી હતી. નવાઈની વાત એ હતી કે એકવાર પ્રાર્થના પૂરી થાય પછી એ સ્ત્રી ઉભી થવાને બદલે ફરીથી પ્રાર્થના શરૂ દેતી હતી.વચ્ચે વચ્ચે એ ઘોડિયા સામે જોઇ લેતી હતી અને ક્યારેક તો પોતાના આંસુ પણ લૂછી લેતી હતી.
ડૉકટરને થયું કે નક્કી આ સ્ત્રી કાંઇક તકલીફ માં છે. એના આંસુ કહી રહ્યા હતા કે તકલીફ સાદી નહીં પણ ગંભીર છે. કદાચ એને કોઈ મદદની જરૂર હોય અને પોતે ક્યાંય મદદરૂપ થઈ શકે તેમ હોય તો પોતે એ માટે તૈયાર છે એવું જણાવવા એણે કહ્યું , ‘બહેન ! જો તમને વાંધો ન હોય અને મારા જેવા અજાણ્યા ને કહી શકતા હો તો હું તમારા દુ:ખ વિશે સાંભળવા અને બને તો મદદરૂપ થવા તૈયાર છું. હું જોઈ રહ્યો છું કે તમે કાંઇક મોટી તકલીફ માં લાગો છો.’
પેલી સ્ત્રીએ થોડીવાર ડૉકટર સામે જોયું. પછી કહ્યું, ‘ ભાઈ ! ઉપરવાળો મારી ઘણી પ્રાર્થનાઓ સાંભળે છે, પરંતુ ખબર નહીં આ વખતે મારી પ્રાર્થનામાં એવી તે કઈ ખામી રહી ગઈ છે કે બસ, એક પ્રાર્થનાનો નથી તો એ જવાબ આપતો કે નથી કાંઈ રસ્તો બતાવતો. કદાચ મારી શ્રદ્ધામાં કાંઈક ખોટ હશે નહીંતર સાવ આવું તો ન જ બને!’ એટલું કહેતાં એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં.
‘બહેન!’ ડૉ.એહમદે કહ્યું, ‘તમને જો વાંધો ન હોય તો મને કહેશો કે એવી કઈ વાત છે જે તમને વારંવાર રડાવી દે છે? એવું તો શું છે જે તમને એક પ્રાર્થના પછી તરત જ બીજી પ્રાર્થના કરાવડાવે છે? શું હું તમને કોઈ રીતે ઉપયોગી થઇ શકું ખરો?’
થોડી વાર એ સ્ત્રી ડૉ.એહમદ સામે જોઈ રહી. ડૉકટર ના અવાજમાં રહેલી સાચી સહાનુભૂતિ એને સ્પર્શી ગઈ હતી. એને વાત શરૂ કરી. ‘ભાઈ ! આ ઘોડિયા માં સૂતો છે એ મારો પૌત્ર છે. એનાં માં-બાપ થોડા સમય પહેલા કાર અકસ્માત માં મૃત્યુ પામ્યાં છે. આ બાળકને એક એવા પ્રકારનું કેન્સર છે કે આજુબાજુ ના શહેરોના કોઇપણ ડૉકટર એની સારવાર કરી શકે તેમ નથી. નજીક ના એક મોટા શહેરના ડૉક્ટર કહ્યું છે કે આ રોગની સારવાર અહિયાં શક્ય જ નથી, પરંતુ અહીંથી ખૂબજ દૂર દેશના દક્ષિણ ભાગ માં એક ડોક્ટર એવા છે જે આ કેન્સરની સફળતાપૂર્વક સારવાર કરી શકે છે. પરંતુ ભાઈ! હું એકલી ઘરડી સ્ત્રી આટલા નાના માંદા બાળકને લઈને એમને શોધવા એટલે દૂર કઈ રીતે જાઉ? એટલે હું રોજ ઉપરવાળા ને પ્રાર્થના કરું છુ કે મને કોઈક રસ્તો બતાવે. પરંતુ ખબર નહી મારો પ્રાર્થનાનો એ ક્યારે જવાબ આપશે:’ ફરી એકવાર એ સ્ત્રીની આંખો છલકાઈ ગઈ.
‘તમને એ ડૉકટરનું નામ, સરનામું કે બાળકના કેન્સર નો પ્રકાર એવું કાંઈ ખબર છે ?’ ડોકટરે પૂછ્યું.
‘હા ભાઈ ! દીકરાની ફાઈલમાં એ ડૉકટર નું નામ તેમજ બીજી બધી વિગત લખી છે. ઊભા રહો, હું તમને એ જોઇને કહું.’ એ સ્ત્રી એ બાજુ ના ટેબલ પર પડેલી એના પૌત્રની ફાઈલ લઈને ખોલી.
‘શું નામ છે એ ડૉકટરનું ?’ ડૉકટરે પૂછ્યું.
‘ડોક્ટર એહમદ ! એ ફલાણા શહેરમાં રહે છે!’ પેલી સ્ત્રી એ જવાબ આપ્યો.
ડૉકટર એહમદની બંને આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. એણે રડતાં રડતાં જ કહ્યું , ‘બહેન! ખરેખર ઉપરવાળો ખૂબ મહાન છે. એણે વિમાનમાં ખોટકો ઊભો કર્યો, વાવાઝોડું મોકલ્યું, અનરાધાર વરસાદ વરસાવ્યો, મને રસ્તો પણ ભુલાવી દીધો. આ બધું એણે એટલા માટે કર્યું કે એ તમારી પ્રાર્થના નો જવાબ જરા જુદી રીતે આપવા માંગતો હતો. એ તમને ડોક્ટર એહમદ સુધી પહોંચાડવા રાજી નહોતો, કારણકે તમને કેટલી તકલીફ પડી શકે એ વાત એ બરાબર જાણતો હતો. એટલે જુઓ! એ ડૉકટર એહમદને જ તમારી પાસે લઈ આવ્યો. બહેન ! હું જ છું એ ડૉકટર એહમદ!’
પેલી સ્ત્રી રડતા રડતાં બોલી, ‘હે ભગવાન ! તું ખરેખર મહાન અને ખૂબ જ દયાળુ છે! પ્રાર્થનાનો જવાબ આપવાની તારી રીત ખરેખર નિરાળી છે!’
ડૉકટર એહમદ પણ આંખમાં આંસુ સાથે એ જ શબ્દો મનમાં બોલતા હતા.