શ્રીલંકા ઉપર વધુ એક આફત:કાગળની અછતને લીધે બે અગ્રણી અખબારો બંધ થયા; વિદ્યાર્થીઓની પરીક્ષા અટકી પડી, ભારે દેવા વચ્ચે વિદેશી હૂંડિયાણનું સંકટ સર્જાયું
શ્રીલંકા અત્યારે ખૂબ જ નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને દેશમાં મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. દેશમાં વિદેશી હૂંડિયાણ પણ લગભગ ખતમ થઈ ગયું છે. દેશ ઉપર એક પછી એક આપદા આવી રહી છે ત્યારે શ્રીલંકાના બે મુખ્ય અખબારો કાગળની કારમી અછતને લીધે તેમના પ્રકાશન બંધ કરવાની નોબત આવી છે. ધ આઈલેન્ડ તથા તેની સિંહાલી આવૃત્તિ દીવૈના, અખબાર માટેના કાગળની અછતને પગલે પ્રસિદ્ધ થઈ શક્યા નથી અને હવે તે ફક્ત ઓનલાઈન જ ઉપલબ્ધ બનશે.
આ ઉપરાંત કાગળની અછતને લીધે દેશના શિક્ષણ વિભાગે લાખો વિદ્યાર્થીઓની ટર્મ એક્ઝામ પણ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. અધિકારીઓનું કહેવું છે કે અહીં કાગળની સતત અછતને લીધે પાઠ્યપુસ્તકોની છપાઈને લગતી કામગીરી પણ પૂરી થઈ શકતી નથી. અને દેશનું પ્રિન્ટ મીડિયા ગંભીર આર્થિક સંકટનો શિકાર બન્યું છે.
ધ આઈલેન્ડ શ્રીલંકાનું મોટું અખબાર છે
વર્ષ 1981માં શરૂ થયા બાદ ધ આઈલેન્ડ અખબાર ફક્ત એપ્રિલ મહિનામાં વાર્ષિક સિંહલ તમિલ નવ વર્ષની રજામાં જ પ્રેસ બંધ રાખે છે. સંપાદક શ્રી સહબંધુએ કહ્યું હતું કે અમે યુદ્ધના સમયે પણ અખબારને છાપવાનું બંધ કર્યું ન હતું. કોરોના કાળના સમયે લોકડાઉન સમયે જ અમે પ્રિન્ટની આવૃત્તિને અસર થઈ હતી કારણ કે તે સમયે વિતરણ કરવું શક્ય ન હતું.
શ્રીલંકા મોટાભાગે નોર્વે, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા તથા રશિયાના અખબારના કાગળનો ઉપયોગ કરો છો. ત્રણ મહિના અગાઉ એક ટન કાગળનો ભાવ 750 ડોલર હતો, જે હવે વધીને 1070 ડોલર થઈ ગયો છે. અમારા ઉત્પાદન પડતર ખર્ચમાં પણ ઘણો વધારો થઈ ગયો છે.
પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં અસહ્ય વધારો થયો
દેશમાં વિદેશી હૂંડિયામણના સંકટ વચ્ચે પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં અસાધારણ વધારો થયો છે. શ્રીલંકાથી એવી સ્થિતિ સર્જાઈ છે કે લોકોને પેટ્રોલ ખરીદવા માટે કલાકો સુધી પેટ્રોલ પંપ બહાર લાઈનમાં ઉભા રહેવું પડે છે. ફેબ્રુઆરી મહિનામાં શ્રીલંકામાં ફુગાવાનો દર 17.50 ટકાના વિક્રમજનક સ્તર પર હતો.
શ્રીલંકા ઉપર 4 અબજ ડોલરનું દેવું
શ્રીલંકાની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી રહી છે. ફેબ્રુઆરી,2022માં શ્રીલંકા પાસે ફક્ત 2.5 અબજ ડોલર વિદેશી હૂંડિયામણ હતું ત્યારે તેની ઉપર 4 અબજ ડોલરનું દેવું છે. આ પૈકી મોટાભાગનું દેવું ચીનનું છે, જેણે શ્રીલંકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટાપાયે રોકાણ કરેલું છે.
શ્રીલંકા ઉપર ચીનના દેવાનું એટલું વ્યાપક દબાણ છે કે હવે દેશની પ્રજાની દૈનિક જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બની રહી છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) તથા અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થા બેલ આઉટ પેકેજ નહીં આપે તો શ્રીલંકા આર્થિક રીતે ખતમ થઈ જશે.