કોરોના કાળમાં પ્રાણીઓ પ્રત્યે દયાળુ બનો
– શહેરમાં રખડતા પ્રાણીઓને લોકડાઉન દરમિયાન ખાવાનું ના મળે તો શું થાય તેની ગંભીરતા મુખ્ય સચિવો સમજી શક્યા હતા. પંજાબ રાજ્યના સચિવ સિવાયના તમામ સચિવો મારી વાત સાથે સંમત થયા હતા…
– ઓડિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે તો તરતજ પ્રાણીઓને ખવડાવવા માટેનું ખાસ બજેટ પણ નગર પાલિકાઓ અને મ્યુનિસિપાલિટીઓને ફાળવી દીધું હતું….
કોરોના વાઇરસના પગલે લદાયેલા પ્રથમ લોકડાઉનના કારણે લાખો લોકોને વિવિધ અનુભવો થયા હશે. મને પણ આવોજ અનુભવ થયો હતો. ૨૪ માર્ચે જેવું લોકડાઉન જાહેર થયું કે તરતજ મેં દેશભરમાં ફેલાયેલા એનિમલ વોલિયન્ટર્સને મારો ફોન નંબર આપીને જણાવ્યું હતું કે કોઇ પણ કામ માટે અગવડ પડે તો મને ફોન કરવો. મને હતું કે કેટલાક લોકો મને ફોન કરશે પરંતુ મને હજારો ફોન આવતા હતા કે પ્રાણીઓને ખવડાવવા માટે તેમને પાસ નથી મળતા. તે લોકો સેવા કરવા જવા માંગતા હતા પણ સ્થાનિક પોલીસ તેમને જવા દેતી નહોતી. પ્રાણીઓની સેવા કરતા વોલિયેન્ટર્સને એક્ટીવ જોઇને મને બહુ આનંદ થયો હતો.
આજકાલ મારી પાસે એક લાખથી વધુ વોલિયેન્ટર્સ છે, તે બધાને હું ઓળખી શકું છું. મારા હવેના પ્લાનમાં હું તે બધાને કાયદાના તેમજ નિતી વિષયક જાણકાર બનાવીને તેમના રાજ્યમાં એનિમલ મુવમેન્ટનો વ્યાપ વધારવા માગુ છું.
હું એવા કેટલાક લોકોને ઓળખું છું કે જે આજે પણ આગળ પડતું કામ કરે છે. જેમકે નોઇડામાં કાવેરી રાણા, ગુરગાંવમાં ચેતના જોષી,મુંબઇમાં નિરાલી કોરડીયા અને લતા પરમાર, બેંગલોરમાં શિવાનંદ દંબલ, કાશ્મીરમાં નિગાટ લોન, જમ્મુમાં રમ્પી મદન,ગંટુરમાં તેજોવંત અનુપુન્જો, કોલકત્તામાં અજય ડાગા, થાણેમાં શકુંતલા મજમુદાર, ગોવામાં નોર્મા અલ્વર્સ તેમજ ગૌરી મૌલેખી અને મિનાક્ષી અવસ્થી જેવા કેટલાક નામો છે. દેશ ભરમાં મારા સાથેના કોમ્યુનિકેશન સંભાળનાર બે લોકો ઇશિતા યાદવ અને કનિકા દેવાન પણ મહત્વના છે. તે દરેક રાજ્યના કાયદાની માહિતી તૈયાર રાખે છે.
મેં દરેક મુખ્ય પ્રધાનો અને મુખ્ય સચિવો સાથે ફોેન પર વાત કરી હતી. જારખંડના મુખ્ય પ્રધાને ફોન ના ઉપાડયો પણ તેમના ઘેર કામ કરતા સ્ટાફેે એમ કહ્યું કે તે કોઇ સાથે વાત કરવા તૈયાર નથી. તેલંગાણાના મુખ્ય પ્રધાન તો બધા કાયદાના જાણકાર હોય એમ લાગતું હતું. બાકીના મુખ્ય પ્રધાનોએ લોકડાઉન દરમ્યાન પ્રાણીઓને ખાવાની સવલત આપવા સાથે સંમત થયા હતા.
ઓડીસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે તો તરતજ પ્રાણીઓને ખવડાવવા માટેનું ખાસ બજેટ પણ નગર પાલિકાઓ અને મ્યુનિસિપાલિટીઓને ફાળવી દીધું હતું. શહેરમાં રખડતા પ્રાણીઓને લોકડાઉન દરમિયાન ખાવાનું ના મળે તો શું થાય તેની ગંભીરતા મુખ્ય સચિવો સમજી શક્યા હતા. પંજાબ રાજ્યના સચિવ સિવાયના તમામ સચિવો મારી વાત સાથે સંમત થયા હતા. પંજાબના સચિવે તેમની પાસેની ઓછી જાણકારી હોય એવું લેક્ચર આપી દીધું હતું . તેનો સાર એવો હતો કે પહેલાં માણસનું વિચારીએ પછી પ્રાણીઓની બીજી જાતો માટે વિચારીશું. તેમણે વાતતો શાંતિથી કરી હતી જ્યારે તેલંગાણાના મુખ્ય સચિવે તો ઉદ્ધતાઇ સાથે વાત કરવાની સાથે હજુ પણ એનિમલ વોલિયન્ટર્સને પાસ નથી આપ્યા તેમજ કોઇ રીતે મદદમાં પણ નથી આવ્યા.
આમ જોવા જઇએ તો, દરેક રાજ્યના સિનિયર પોલીસ અધિકારીઓ, શહેરના કમિશ્નરો, ડીસીપી વગેરે ખુબ સારો સહકાર આપી રહ્યા છે. આ લોકોને ફોન કરીએ એેટલે તે શાંતિથી સાંભળતા હોય છે અને સહકાર આપે છે. આ પૈકીના ત્રણ અધિકારીઓએ તો બહુ સહકાર આપ્યો છે. જેમાં દિલ્હીના પોલીસ કમિશ્નર શ્રીવાત્સવ, મુંબઇના પરમવીર સિંહ અને બેંગલુરુના ભાષ્કરરાવનો સમાવેશ થાય છે. તેમણે અક્કડ વલણ રાખવાના બદલે ખોેરાક આપવા જનારાઓને તેમને ફાવતો સમય સેટ કરી આપ્યો હતો. તેમજ સમસ્યા ઉકેલવામાં રસ પણ લીધો હતો. મુંબઇ અને દિલ્હીના ડીસીપીએ પણ સારો સહકાર આપ્યો હતો. પંજાબના એસપીએ પણ સારો સહકાર આપ્યો હતો પરંતુ તેમની હાથ નીચેના ખાસ કરીને લુધિયાણાના પોલીસે બહુ રફ વર્તન કરતા હતા.
હરિયાણાનો અહીં ંખાસ ઉલ્લેખ કરવો પડે કેમકે ત્યાંના કોઇ જિલ્લામાંથી હેરાનગતીની કોઇ ફરિયાદ નથી. ગુરગાંવના મ્યુનિસિપલ કમિશ્નર પણ ખુબ સહકાર આપતા હતા. આ તબક્કે હરિયાણાના મુખ્ય પ્રધાનનો પણ આભાર વ્યક્ત કરવો જોઇએ કેમકે તે પણ બહુ પ્રેકટીકલ રહ્યા હતા.
બીજી તરફ શહેરોની ગલીઓમાં ફરજ બજાવતી પોલીસ ખાસ કરીને અમદાવાદ,હૈદ્રાબાદ અને થાણેની પોલીસો વધુ હોરાનગતી કરતા નજરે પડતા હતા. જારખંડની પોલીસને તો દરેક કામમાં અમને કેટલા પૈસા મળશે તેજ દેખાતું હતું. એક કેસમાં મેં ત્યાંના એસપીનું ધ્યાન દોર્યા પછી પૈસાની માંગણી બંધ થઇ ગઇ હતી. દિલ્હીના એક એસએચઓનો કેસ તો વિચિત્ર હતો. તેે પોતાના રાઉન્ડ દરમ્યાન પ્રાણીઓને ખોરાક આપતી કોઇ મહિલા વર્કર નજરે પડે તો તેને ચોકી પર લઇ જઇને મોડી રાત સુધી ટોળ ટપ્પાં માર્યા કરતા હતા. તેમના માટે ત્રણેક વાર ફરીયાદ કરવી પડી હતી. છેલ્લે તેમના પર શિક્ષાત્મક પગલાંની વાત આવતા તે અટક્યા હતા.
અહીં તમિળનાડુનો ઉલ્લેખ કરવો જરુરી છે કેમકે ત્યાં વેપારી વર્ગ, હોટલો અને બલ્યુ ક્રોસ જેવા એનિમલ ગૃપોએ ભેગા થઇને પ્રાણીઓની સંભાળ રાખવાનું શરુ કર્યું હતું. જિંદાલ યુનિવર્સિટીના વિધ્યાર્થીઓને થેંકયુ એટલા માટે કહેવાનું કે તેમણે ૬૦૦ વિદ્યાર્થીઓ એનિમલ વેલફેર ક્લબમાં જોડાયા હતા.
રેસીડેન્ટ વેલફેર એસોસીયેશનની સા થે સંકળાયેલી સોસાયટીઓની પણ મદદ મળતી હતી. આ બધાની વચ્ચે ટીવી સમાચાર માધ્યમોએ મને બહુ ગુંચવી મારી હતી. ટીવી ચેનલો ખોટી માહિતી આપતા હતા. એક ચેનલ પાસે જઇને ખોટી માહિતી હું બંધ કરાવું તો બીજી ચાલુ થઇ જતી હતી. કોલકત્તાથી એબીપીએ બિલાડીઓ અંગે ખોટી માહિતી આપવાની શરુ કરી હતી. જેના કારણે હજારો બિલાડીઓ લોકોની નફરતની ભોેગ બની હતી અને ઘણી મોતને ભેેટી હતી. જેવું એબીપીએ બંધ કર્યું કે તરતજ બીજી ચેનલોએ તે માહિતી શરુ કરી દીધી હતી. જ્યારે ડોક્ટરોએ હકીકત કહેવાની શરુ કરી ત્યારે તે પણ બંધ થઇ ગયા હતા.
ભારતના કોમ્યુનિટી મેડિસીનના વડા ડો.સી.કે. પાંડવ અને એઇમ્સના વડા ડો. ગુલેરીયાએ પોતાના સંશોધન અંગે જણાવતા હતા તે દરમિયાન આજતકે ચાલુ કરી દીધું હતું કે વાઇરસ કૂતરાથી ફેલાય છે હકીકત એ હતી કે કૂતરા કે બિલાડીથી વાઇરસ ફેલાવાનો એક પણ કેસ નોંધાયો નથી. ત્યાર બાદ બહુ ઓછી જાણીતી એવી બેંગલોરની સિધ્ધાર્થ ટીવી એ પણ પ્રાણીઓને જવાબદાર ઠેરવતા રિપોર્ટ આપવાનું શરુ કરી દીધું હતું.
જે લોકો લોકડાઉનમાં છે તેમના મનમાં ડર ફેલાવીને પોતાનો ટીઆરપી વધારવાની તક છોડવા કોઇ તૈયાર નહોતું. હવે તો હું એવી રાહ જોઉં છું કે ટીવીવાળા ક્યારે એમ કહે છે કે કીડી અને વંદા પણ કોરોના પ્રસરાવે છે.
સોસાયટીની રેસીડેન્ટ વેલફેર સોસાયટીઓ એવા નિવૃત અને જક્કી લોકો પાસે છે કે જે પ્રાણીઓની સેવાની સમગ્ર સિસ્ટમને નબળી પાડી રહ્યા છે. આવા લોકો પ્રાણીઓને ખોરાક આપતા લોકોને ગંદકીના નામે ખખડાવે છે અને પ્રાઇવેટ સિક્યોરીટી વાળાને કહે છે કે પ્રાણીઓને સોસાયટીઓમાં આવવા દેવા નહીં. આવા પચાસ જેટલા કેસોમાં હું વચ્ચે પડી હતી પરંતુ મારી નમ્ર અપીલ છે કે મૂંગા પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઇએ. કોઇ તેમને ખોેરાક આપતું હોય તો તેમાં વાંધો ના ઉઠાવવો જોઇએ.
હવે મહત્વના મુદ્દાની વાત કરીએ તો જે લોકો પ્રાણીઓને ખવડાવવાની સેવા કરે છે તેમની પાસે સેવા કરવાનું ભંડોળ ખૂટતું જાય છે. લોકો પણ ઘરમાં બેસીને કંટાળી ગયા છે. પ્રાણીઓની સેવા કરનારાઓને સહકાર આપો. તેમની સાથે ખાલી ખાલી રકઝક ના કરો. ધ્યાન કરો, વાંચો. ટીવી ના જુઓ, પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવો. વડાપ્રધાને પણ કહ્યું છે કે ઘર વિહોણા પ્રાણીઓનું ધ્યાન રાખો…દયાળુ બનો…