અંગ્રેજો હવે શાકાહારી બનતા જાય છે:બ્રિટનમાં વીગન ડાયટનો ટ્રેન્ડ, શાકાહારી ભોજન ખાનારાઓની સંખ્યા છ લાખ થઈ, 12 હજાર રેસ્ટોરાં વીગન ફૂડ સર્વ કરે છે
બ્રિટનના દર વર્ષે વીગન ખાવાનું ચલણ વધી રહ્યું છે. હવે અંગ્રેજો મોટી સંખ્યામાં માંસાહારી તેમજ દૂધની બનાવટો ખાવાનું ટાળી રહ્યા છે. આ અભિયાનને આગળ વધારવા માટે ઈંગ્લેન્ડના લોકો દર વર્ષે જાન્યુઆરીમાં એન્યુઅલ વીગનરી ચેલેન્જ લઈ રહ્યા છે. અંગ્રેજો આ એક મહિનામાં માંસ, માછલી, ચિકન સાથે દૂધ, દહીં, ઘીનો ઉપયોગ કરતા નથી. વીગન ફૂડ કેન્સર, ડાયાબિટીસ અને સ્થૂળતા સામે લડવામાં પણ મદદરૂપ સાબિત થઈ રહ્યું છે.
બ્રિટનના લોકોએ જાન્યુઆરી 2014થી આ ચેલેન્જમાં ભાગ લેવાનું શરૂ કર્યું, ત્યાર બાદ 2021 સુધીમાં 6 લાખ લોકો વીગન બની ગયા. 2014થી વીગન વસતિમાં 400%નો વધારો થયો છે. એ જ સમયે 2020થી યુકેમાં વીગન ફૂડ પીરસતી રેસ્ટોરાંની સંખ્યા બમણી થઈ ગઈ છે. મેકડોનાલ્ડ સહિત લગભગ 12,000 રેસ્ટોરન્ટ ઓનલાઈન વીગન ફૂડ સર્વ કરી રહી છે.
શું હોય છે વીગન ભોજન?
બ્રિટનમાં બ્રિટિશ વેજિટેરિયન સોસાયટીએ 1944માં વીગન મૂવમેન્ટની શરૂઆત કરી હતી.
વીગન ફૂડ એક એવો આહાર છે, જેમાં લોકો માંસાહારી ખોરાક ખાવાની સાથે દૂધની બનાવટોનો ઉપયોગ કરતા નથી. આ આહારમાં માત્ર શાકાહારી શાકભાજી જ ખાવામાં આવે છે. જે લોકો આ પ્રકારના આહારનું પાલન કરે છે તેમને વીગન કહેવામાં આવે છે. કેટલાક લોકો પર્યાવરણના રક્ષણ માટે અને કેટલાંક પ્રાણીઓ સામે હિંસા રોકવા માટે વીગન ડાયટ લે છે.
ગ્લોબલ વોર્મિગ વિરુદ્ધ પણ મદદગાર
બ્રિટિશ મીડિયાના અહેવાલો અનુસાર, આ મહિનાના અંત સુધીમાં 20 લાખ લોકો શાકાહારી બનવાની ચેલેન્જ સ્વીકારશે, ત્યાર બાદ તેમની સંખ્યા 80 લાખ સુધી પહોંચી જશે. તેમાં વિદ્યાર્થીઓ અને યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધન મુજબ, જો કોઈ વ્યક્તિ શાકાહારી બને છે તો તે તેના કાર્બન ફૂટપ્રિન્ટને 73% સુધી ઘટાડી શકે છે.
એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ એક મહિના માટે શાકાહારી બને છે, તો તે માંસ અને ડેરી ઉત્પાદનમાં વપરાતા 1.26 લાખ લિટર પાણીની પણ બચત કરે છે. સંશોધન મુજબ, જો વિશ્વની દરેક વ્યક્તિ શાકાહારી બને તો 70% કાર્બન એમિશન રોકી શકાય છે. આનાથી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે, એટલે કે માત્ર ખોરાકમાં ફેરફાર કરીને ગ્લેશિયર પીગળવા, દુષ્કાળ અને પૂર જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે.
સૌથી વધુ શાકાહારી ભારતમાં
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, ભારતમાં વિશ્વમાં સૌથી વધુ શાકાહારી વસતિ છે. 2020 સુધીના ડેટા અનુસાર, ભારતમાં 40 કરોડથી વધુ લોકો એટલે કે 30% લોકો શાકાહારી છે. આમાં પણ વીગન્સની સંખ્યા પણ 50 લાખને પાર પહોંચી ગઈ છે. માથાદીઠ માંસના વપરાશમાં ભારત વિશ્વમાં છેલ્લા ક્રમે છે.