Fake News:કૂતરાઓથી કોરોના થાય છે તેવા મલેશિયાના રિસર્ચ અંગે મેનકા ગાંધીએ કહ્યું- આ ફેક ન્યૂઝ છે
કૂતરાઓથી કોરોના થાય છે તેવા મલેશિયાના રિસર્ચ અંગે મેનકા ગાંધીએ કહ્યું હતું કે આ ફેક ન્યૂઝ છે. પશ્ચિમ બંગાળની કોઈ વેબસાઈટે આ ફેક ન્યૂઝ ચલાવ્યા હતા, તે વાઈરલ થયા હતા અને ભારતના તમામ મીડિયાએ આ ન્યૂઝ લીધા હતા, જે ફેક છે. divyabhaskar.com સાથેની વાતચીતમાં મેનકા ગાંધીએ કહ્યું હતું કે કૂતરાઓથી જો કોરોના થતો હોત તો દોઢ વર્ષમાં ભારતમાં ઘણા કેસ નોંધાઈ ચૂક્યા હોત તો, પણ હજુ સુધી આવો કોઈપણ કેસ નોંધાયો નથી.
મલેશિયામાં આઠમા કોરોનાવાયરસના 8 દર્દી મળ્યાનો દાવો કરાયો હતો
આ ફેક ન્યૂઝમાં કહેવાયું હતું કે મલેશિયાના વિજ્ઞાનીઓએ નવા કોરોનાવાયરસને CCoV-HuPn-2018 નામ આપ્યું છે. મલેશિયામાં તેના 8 દર્દી મળ્યા હતા, જેમાં 7 બાળકો હતાં. એક બાળકને ન્યુમોનિયા થયો, પરંતુ એ પછીથી સ્વસ્થ થઈ ગયો હતો. તેને 4-6 દિવસમાં રજા આપી દેવાઈ હતી. મિરર યુકેના રિપોર્ટ અનુસાર, અત્યારે એ વાતની જાણકારી મળી નથી કે આ કોરોનાવાયરસ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે.
નવો કોરોનાવાયરસ મહામારીનું સ્વરૂપ લઈ શકે કે કેમ એની તપાસ ચાલી રહી છે તેવો રિપોર્ટમાં દાવો કરાયો હતો.
આ રિપોર્ટમાં દાવો કરાયો હતો કે આ નવો કોરોનાવાયરસ મહામારીનું સ્વરૂપ લઈ શકે કે કેમ એની તપાસ ચાલી રહી છે. આ વાયરસથી જોકે જેટલા લોકો સંક્રમિત થયા છે એ તમામ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને એનાથી કોઈનું મોત થયું નથી. જોકે ડોક્ટરોનું કહેવું છે કે આ વાયરસની દવા હજુ બની નથી, આથી મોટા પ્રમાણમાં જો આ વાયરસ ફેલાય તો મુશ્કેલી વધી શકે છે.
કૂતરાઓ, બિલાડી કે પક્ષીઓથી માણસને કોરોના વાઈરસનું સંક્રમણ લાગતું નથી: મેનકા ગાંધી
પીપલ ફોર એનિમલના ચેરપર્સન મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે કૂતરાઓ, બિલાડી કે પક્ષીઓથી માણસને કોરોના વાઈરસનું સંક્રમણ લાગતું નથી. વિશ્વમાં એવો એકપણ કેસ નોંધાયો નથી કે જેમા કહેવાયું હોય કે કૂતરાઓ, બિલાડી કે પક્ષીઓથી માણસને કોરોના વાઈરસનું સંક્રમણ લાગ્યું હોય. આ પ્રાણીઓ ઘરમાં કે શેરીઓમાં હોય તો તેની સંભાળ રાખવી જોઈએ.