
ખતરાનો ઘંટારવ:2030 સુધીમાં પૃથ્વીના તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો થશે, વધી રહ્યું છે સમુદ્રનું સ્તર, IPCCનો રિપોર્ટ
- જળવાયુના પરિવર્તનને કારણે પૃથ્વી પર ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે
- વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે વર્ષ 2100 સુધીમાં સમુદ્રની વૈશ્વિક જળસપાટી 2 મીટર જેટલી વધશે
- વાતાવરણમાં જે પણ ગંભીર ફેરફાર થઈ રહ્યા છે એનાં ઘણાં જ વિનાશકારી પરિણામ ભવિષ્યમાં જોવા મળશે
પૃથ્વીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે અને વર્ષ 2100 સુધીમાં 1.5 ડીગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની આગેવાની હેઠળ 195 દેશો જુદી જુદી રીતે પ્રયાસોમાં કાર્યરત છે, પરંતુ જો યુએન સાથે જોડાયેલી સંસ્થા આઈપીસીસીની વાત માનીએ તો સમગ્ર માનવજાતિ પૃથ્વીને એક મોટા અને કાયમી પરિવર્તન તરફ ધકેલી રહી છે. ખરેખર ગ્લોબલ વોર્મિંગની જ અસર છે, જે આપણે સતત જંગલમાં લાગતી આગ, પૂર, ભૂસ્ખલન વગેરેના રૂપમાં સતત જોઈ રહ્યા છીએ.
IPCCએ એક રિપોર્ટ જાહેર કર્યો
પૃથ્વી પર કેવા પ્રકારના ફેરફારો થઈ રહ્યા છે એ અંગે ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ધ ક્લાઇમેટ ચેન્જ (IPCC)એ સોમવારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટ અનુસાર, 1980 બાદથી સમુદ્રમાંથી આવતી હીટવેવ, એટલે કે ગરમ પવનની પ્રક્રિયામાં વધારો થયો છે. એની પાછળનું સૌથી મોટું કારણ માનવજાતની પ્રવૃત્તિઓ છે. 2006 બાદ ખાસ કરીને ગંભીર ફેરફારો જોવા મળ્યાં છે.
ઘણાં જ વિનાશકારી પરિણામો ભવિષ્યમાં જોવા મળશે
આ IPCCનું છઠ્ઠું આકારણી ચક્ર છે, જે અંતર્ગત વૈજ્ઞાનિકોનાં વિવિધ જૂથો વિશ્વના દરેક ખૂણામાં થઈ રહેલા આબોહવા પરિવર્તનનો અભ્યાસ કરી રહ્યા છે. IPCC પ્રથમ જૂથ, એટલે કે વર્કિંગ ગ્રુપ -1નો અભ્યાસ 6 ઓગસ્ટના રોજ પૂર્ણ થયો હતો અને આજે પેનલ દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, હાલમાં વાતાવરણમાં જે પણ ફેરફાર થઈ રહ્યા છે એ બદલી ન શકાય એવા છે. વૈજ્ઞાનિકોએ 195 દેશોની સરકારોને પેરિસ કરારના ઠરાવને પરિપૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરવાની સલાહ આપી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે જો કોઈ લગામ વિના તાપમાન અને કાર્બન ઉત્સર્જન વધતું રહ્યું, તો ભવિષ્યમાં આપણને તેની ઘણી આડઅસરો જોવા મળશે.
વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં 50 ટકાનો ઘટાડો કરવો ખૂબ જ જરૂરી છે. માત્ર આ જ દિશામાં પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિને 1.5℃ સુધી મર્યાદિત કરવાનું શક્ય બનશે. જો આ પ્રમાણે કરવું હશે તો તમામ સરકારોએ તત્કાલિક યોજનાઓ બનાવવી પડશે. તમને જણાવી દઈએ કે ગ્લાસગોમાં આયોજિત થઈ રહેલા કોપ26 પહેલાં આઇપીસીસી વધુ એક મહત્ત્વનો રિપોર્ટ જાહેર કરશે, જેથી કોપ26ની બેઠકમાં જુદા જુદા દેશો આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરી શકે.

જળવાયુ પરિવર્તનને કારણે પૃથ્વી પર થયા કેવા ફેરફાર
- વર્તમાનમાં જળવાયુ પરિવર્તનના ખરાબ પરિણામ મહાસાગરો અને ગ્લેશિયર્સ દ્વારા સરળતાથી જોઈ શકાય છે. વર્ષ 1850 બાદ પ્રથમ વખત આર્કટિક મહાસાગરે છેલ્લા એક દાયકામાં લઘુતમ સ્તર જોયો. ત્યાં ગ્લેશિયર્સનો તૂટવાનો સિલસિલો સતત ચાલુ જ છે. આવું જ કંઈક એન્ટાર્ટિકામાં પણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત આપણે જંગલોનો નાશ પણ જોઈ રહ્યા છીએ.
- દરિયાની વૈશ્વિક જળસપાટીમાં જેટલો વધારો છેલ્લાં 3000 વર્ષમાં થયો હતો, તેટલો જ વધારો 1900 બાદથી એટલે કે છેલ્લાં 120 વર્ષમાં નોંધાયો છે.
- 1980 બાદથી સમુદ્ર તરફથી આવતી હીટવેવ એટલે કે ગરમ પવનનો સિલસિલો તીવ્ર બન્યો છે, જેની પાછળનું સૌથી મોટું કારણ માનવજાતની પ્રવૃત્તિઓ છે. ખાસ કરીને 2006 બાદથી ગંભીર ફેરફારો જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે વર્ષ 2100 સુધીમાં સમુદ્રની વૈશ્વિક જળસપાટી 2 મીટર વધશે, જ્યારે 2150 સુધીમાં સમુદ્રનો સ્તર 5 મીટર જેટલો વધી ચૂક્યો હશે.
- પર્વતો પર ગ્લેશિયર જે ઝડપે પીગળી રહ્યો છે એ બદલાવી શકાય એમ નથી. એ ગ્લેશિયર ફરીથી બનશે, એ કહેવું અપ્રામાણિક હશે.

આઈપીસીસી વર્કિંગ ગ્રુપ-1ના રિપોર્ટના મુખ્ય મુદ્દા
- વૈજ્ઞાનિકોએ જાણ્યું કે એમાં કોઈ શંકા નથી કે માનવપ્રવૃત્તિઓને કારણે પૃથ્વીનું તાપમાન વધ્યું છે અને હવે જે ફેરફારો થઈ રહ્યા છે એમાંના મોટા ભાગના ફેરફાર કાયમી છે.
- આગામી એક દાયકામાં, એટલે કે 2030 સુધીમાં પૃથ્વીના તાપમાનમાં 1.5 ° Cનો વધારો થશે અને ત્યાર બાદ, ખૂબ જ ઝડપથી તાપમાનમાં 1.6 ડીગ્રીનો વધારો નોંધવામાં આવશે અને આગામી 100 વર્ષમાં વધારો ઘટીને 1.4 ડીગ્રી સુધી આવી જશે.
- કાર્બનડાયોક્સાઇડ ઉપરાંત પણ અનેક ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન થઈ રહ્યું છે, જેનો સામનો કરવો એ મોટો પડકાર છે. માટે આ વધતા તાપમાનને રોકવા માટે નેટ જીરો પ્લાન સાથે આગળ વધવું ખૂબ જ જરૂરી છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે માનવજાતિએ કેવી રીતે જળવાયુને પહોંચાડી અસર
વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે માનવજાતિએ જે રીતે જળવાયુના તાપમાનમાં વધારો કર્યો છે એને કારણે પૃથ્વી પર ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે. છેલ્લાં 2000 વર્ષોમાં જે ફેરફાર થયા છે એ અસાધારણ છે. 1750 બાદ ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઝડપથી વધારો થયો છે. વર્ષ 2019માં વાતાવરણમાં કાર્બનડાયોકસાઈડ (CO2)નું પ્રમાણ અત્યારસુધીનો સૌથી વધુ નોંધાયું છે. આટલું વધુ પ્રમાણ છેલ્લાં 20 લાખ વર્ષમાં પણ થયું નહીં હોય.
જ્યારે અન્ય ગ્રીન હાઉસ ગેસ- મિથેન (CH4) અને નાઈટ્રસઓક્સાઈડ (N2O)નું પ્રમાણ 2019માં એટલું વધ્યું છે કે એ છેલ્લાં 8 લાખ વર્ષોમાં પણ નહીં રહ્યું હોય. 1970 બાદથી પૃથ્વીના ગરમ થવાના દરમાં વધુ વધારો થયો છે. જેટલું તાપમાન છેલ્લાં 2000 વર્ષમાં વધ્યું નથી, એટલું છેલ્લાં 50 વર્ષમાં વધ્યું છે.

પૃથ્વી પર થઈ રહેલો તાપમાનમાં સતત વધારો, ખૂબ જ ચિંતાજનક છે.
વર્કિંગ ગ્રુપ-1ના રિપોર્ટ સાથે જોડાયેલી ખાસ વાત
- IPCના વર્કિંગ ગ્રુપ-1નો રિપોર્ટને આજે જાહેર કરવામાં આવ્યો છે, જેને 195 સરકારો અને વિવિધ દેશોના 234 વૈજ્ઞાનિકોએ મંજૂરી આપી છે.
- એનું શીર્ષક છે, “ક્લાઇમેટ ચેન્જ 2021: ધ ફિઝિકલ સાયન્સ બેસિસ”. આ ગ્રુપે માનવજાતના કાર્બન ઉત્સર્જન અને એની અસરોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે.
- ગ્રુપના પ્રથમ રિપોર્ટ પર 750 વિશ્લેષકોએ 23,462 રિવ્યૂ કમેન્ટ કર્યા અને બીજા ડ્રાફ્ટને 51,387 રિવ્યૂ કમેન્ટ સરકારથી અને 1,279 વિશ્લેષકોથી મળ્યા.
- 47 દેશોની સરકારોએ 3000થી વધુ કમેન્ટમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
- આ રિપોર્ટને તૈયાર કરવા માટે 14 હજાર સંશોધન પેપરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.