
અબોલ પક્ષીઓએ જીવ ગૂમાવ્યા:સુરતમાં બેંકના એલિવેશનના કાચને આકાશ સમજી અથડાતા રોઝી સ્ટર્લિંગ બર્ડના ટોળાનું સામૂહિક મોત
- મસ્તીથી કરતબ કરતા યાયાવર પક્ષીઓને ભ્રમિત થતાં મોત મળ્યું
કોંક્રિટના જંગલો જેવા શહેરોમાં શોભા વધારવા માટે ઈમારતોની બહારની દિવાલો પર કાચના એલિવેશન કરવામાં આવે છે. જો કે, આ એલિવેશન અબોલ પક્ષીઓ માટે ભ્રમિત કરનારા સાબિત થાય છે. પક્ષીઓ કાચને ખુલ્લું આકાશ સમજીને અથડાતા મોતને ભેટતા હોવાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના રિંગરોડ પર બેંકની દિવાલ પર લગાવાયેલા કાચના એલિવેશન સાથે યાયાવર પક્ષી રોઝી સ્ટર્લિંગ બર્ડના ટોળાનું કરતબ કરતી વખતે અથડાઈને સામૂહિક મોત થયા છે.

બેંકનું એલિવેશન કાચનું હોવાથી પક્ષીઓ અથડાયા હતા
કર્મચારીઓ ચોંકી ગયા
રિંગરોડ ખાતે સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓ.બેંકનું હેડ ક્વાટર આવેલું છે. આ મુખ્ય કચેરીએ ગુરુવારે બપોરે વિચિત્ર અકસ્માત નોંધાયો હતો. બન્યું એવું હતું કે, બેંક કર્મચારીઓ તેમનું રોજિંદુ કામકાજ કરી રહ્યાં હતા. તે વખતે અચાનક પક્ષીઓનું એક ઝૂંડ બેંકની ઇ મારતના એલિવેશનની ગ્લાસ વોલ સાથે ધડાકાભેર અથડાયું હતું. મોટો અવાજ થતાં કર્મચારીઓ પણ ચૌકી ઉઠ્યા હતા. સિક્યુરિટી જવાનોએ કેમ્પસમાં એકસાથે સંખ્યાબંધ પક્ષીઓ મૃત્યુ પામ્યા હોવાનો મેસેજ આપ્યો હતો. સૌ કોઇ સમસમી ઉઠ્યા હતા. પક્ષીઓ માટે કામ કરતી જીવદયા સંસ્થા પ્રયાસનો બેંક તરફથી તુરંત સંપર્ક કરવામાં આવ્યો હતો.

પક્ષીના ટોળા અવનવા કરતબ કરતી વખતે બેંક સાથે અથડાઈ મોતને ભેટ્યાં હતા
હિમાલયથી પક્ષીઓ આવે છે
દર્શન દેસાઇ (પ્રયાસ સંસ્થા) એ જણાવ્યું કે, શિયાળાની મૌસમ દરમિયાન હિમાલય વિસ્તાર તરફથી રોઝી સ્ટારલિંગ બર્ડ સુરત આવે છે. આ પ્રવાસી પક્ષી આકાશમાં ઝૂંડમાં ઊડે છે. અવનવા કરતબ પણ કરે છે. અત્યંત ઝડપથી ઉડતા આ પક્ષીઓ એકા એક બિલ્ડિંગના એલિવેશનની ગ્લાસની દિવાલમાં મી૨૨ ઇમેજ હોવાથી તેઓ ગોથું ખાઇ ગયા હતા. બિલ્ડિંગ બહાર આકાશનું પ્રતિબિંબ ગ્લાસ ઉપર જોવા મળતા તેઓ આગળ ખુલ્લુ આકાશ સમજી ઝડપથી ઊડતા એક સાથે ગ્લાસ સાથે અથડાઇ નીચે પટકાયા હતા અને સામૂહિક મૃત્યુ થયા હતા.

કાચના એલિવેશન પક્ષીઓને ભ્રમિક કરે છે
એલિવેશન ખતરાની ઘંટી
સુરતમાં મોટાભાગની ઈમારતો પર એલિવેશન કરવામાં આવ્યાં છે. કાચના એલિવેશન પક્ષીઓને દિશા ભ્રમિત કરનારા સાબિત થઈ રહ્યાં છે. તો અન્ય પ્રકારના એલિવેશન ઈમારતમાં આગ લાગતી વખતે ખતરનાક સાબિત થઈ રહ્યાં છે. ત્યારે પાલિકા દ્વારા આ પ્રકારના એલિવેશન ન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમ છતાં શહેરોમાં મોટા ભાગની તમામ ઈમારતો પર એલિવેશન જોવા મળી રહ્યાં છે.