પ્રાર્થના અને પ્રેમ શું બે જ માર્ગ આપણી પાસે છે ?

પ્રાર્થના અને પ્રેમ શું બે જ માર્ગ આપણી પાસે છે ?

પ્રાર્થના અને પ્રેમ શું બે જ માર્ગ આપણી પાસે છે ?

જે સામે છે તેના માટે પ્રેમ અને જે સામે નથી તેના માટે પ્રાર્થના, આ બંને પ્રભુ માર્ગ છે ! વરસતો પ્રેમ અને અંદરથી ગવાતી પ્રાર્થના!

અસ્તિત્વ તમને ધક્કો નથી મારતું, અસ્તિત્વ તમને આશીર્વાદ નથી આપતું, અસ્તિત્વ તમને નિયંત્રિત નથી કરતું, અસ્તિત્વ તો સર્જેલા સ્પંદનોનો પ્રતિભાવ આપે છે. અસ્તિત્વમાં તમે જે તરતું મૂકો છો તે પડઘાની જેમ પાછું ફરે છે. વન અત્યારે કુરુક્ષેત્ર જેવું લાગે છે. અલબત્ત જીવનનું આ કુરુક્ષેત્ર અર્જુન અને કૃષ્ણ પામ્યા હતા તેનાથી બહુ જુદું છે. અહીં સામે કોઈ સેના દેખાતી નથી. અહીં શસ્ત્રોથી પ્રહાર થતા નથી. અહીં ક્ષણેક્ષણ એવું લાગે છે કે આપણે કર્ણ છીએ અને પૈડું ખૂંપી ગયું છે. આપણે ભીષ્મ છીએ અને તીરની અણિયાળી પથારીમાં સૂતા છીએ. આપણે અભિમન્યુ છીએ જેની આસપાસ પ્રપંચના ચક્રવ્યૂહ રચાયા કરે છે અને આપણે અંદરથી લોહીઝાણ થઈ ગયા છીએ. કારણ હવે આપણે જીવનભર ખાલીપાની સામે લડવાનું છે આવા અતિ કપરા સમયે સૌ પોતાને સૂઝે તે માર્ગ શોધે છે, ત્યારે આપણી પાસે ખરેખર કયો માર્ગ છે? સિંધના એક સૂફી જવાબ આપે છે : ‘હું તને કયો માર્ગ બતાવું, મારા ભાઈ! કોઈ એક રાજમાર્ગ નથી, તેના ચરણકમળમાં પહોંચવા માટે તો બત્રીસ કરોડ રસ્તાઓ છે.’ બીજા એક સૂફી કહે છે કે, ‘તમે ક્યારેક ટ્રામ દ્વારા મુસાફરી કરી છે? જો તે કરી હશે તો ખ્યાલ હશે કે દરેક યાત્રિકની પોતાની આગવી ટિકિટ હોય છે, જે અન્ય યાત્રિક સાથે બદલાવી શકાય તેવી નથી હોતી. કોઈ વ્યક્તિ બીજાની ટિકિટ પર યાત્રા નથી કરી શકતી. તું મને કહે, મજનુને કોણે માર્ગ બતાવ્યો? લૈલાને કોણે માર્ગ બતાવ્યો? માત્ર પ્રેમ દ્વારા જ એ બધું શક્ય બન્યું, માટે સામે જે દેખાય છે તેને પ્રેમ કર અને સામે જે નથી દેખાતું તેને પ્રાર્થના કર!’ વરસતો પ્રેમ અને અંદરથી ગવાતી પ્રાર્થના બે જ માર્ગ આપણી પાસે છે. પ્રાર્થના એટલે કોઈ મઢેલી નહીં ને કોઈ ગોઠવેલી નહીં, પણ એક ખૂણામાં ઊભા રહીએ અને હૃદયના ઊંડાણમાંથી જે શબ્દો આપોઆપ નીકળી આવે એ પ્રાર્થના છે. આપણે તો પ્રાર્થનાને પણ આયોજનનો એક ભાગ બનાવી દીધેલ છે પણ અહીં જે પ્રાર્થના-માર્ગ છે જે આપણને પરમ તત્વ સુધી લઈ જાય તેમ છે એ સાચું તો જ છે, જો એ સહજ છે, એ મૌલિક છે, મનમાં જે તે સમયે ઊગી નીકળે તે જ.. એક વખત મોઝીઝના કાને એક ભરવાડ દ્વારા થતી પ્રાર્થનાના શબ્દો સંભળાયા. જેમાં તે ભરવાડ પોતાની રીતે કહી રહ્યો હતો કે, ‘હે પ્રભુ, હું તમારું પહેરણ ધોઈ આપીશ અને પ્રભુ તમે ચિંતા ન કરતા, હું તમારા વાળ ઓળી આપીશ.’ મોઝીઝે આ સાંભળી ભરવાડને ખૂબ ઠપકો આપ્યો, કારણ કે એ અજ્ઞાની ઈશ્વર વિશે આવી અંગત કહેવાય તેવી પ્રાર્થના કરી રહ્યો હતો. આથી ભરવાડ કે જે નિર્દોષ શ્રદ્ધાથી ઈશ્વર સાથે એકત્વનો ભાવ જોડીને પ્રાર્થના કરી રહ્યો હતો તેને એટલો આઘાત થયો કે તેણે પ્રાર્થના જ છોડી દીધી !! એ સમયે આકાશવાણી સંભળાય છે કે : ‘હે મોઝીઝ, તેં ઇશ્વરના પ્યારા ભરવાડને જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું છે, મારી પાસે શબ્દોનું કોઈ મહત્વ નથી, હું હૃદયના ભાવ નિહાળું છું.’ આપણે આપણી નજર સમક્ષ, આપણી નિશ્રામાં, આપણા સાંનિધ્યમાં કે આપણી દૃષ્ટિમાં જે કોઈ હાલ છે તેને આપણા પ્રેમથી ભાવવિભોર કરી ને તરબોળ કરી દઈએ. આના માટે કશું વિશેષ કરવાનું નથી. મુખ પર સ્મિત, એકાદ શુભેચ્છા-સંદેશનું દાન અને ‘ચિંતા ન કરીશ’ એવા ત્રણ નાનકડા શબ્દો એટલે પ્રેમનો વરસાદ. આપણે આપણી નજર સમક્ષ જેને ભાળતા નથી પરંતુ જેને સતત સતત અનુભવીએ છીએ અને જે કંઈ થઈ રહ્યું છે તે એ અસ્તિત્વના કોઈ પરમ તત્વ દ્વારા થઈ રહ્યું છે, એવો અહેસાસ કરી રહ્યા છીએ એ અદૃશ્ય પરમ પરબ્રહ્મને આપણે આપણા પ્રાર્થનાના શબ્દોથી ભાવવિભોર કરી મૂકીએ. એક બાળક કરે તેવી પ્રાર્થના અને એ પ્રાર્થના કરતાં કરતાં આંખના ખૂણા ભીના થઇ જાય તો સમજીએ કે, આપણા શબ્દો એમના દરબારના દ્વાર પર પહોંચી ચૂક્યા છે!! અશ્રુનો પણ વરસાદ હો!! ⬛ bhadrayu2@gmail.com

Source: https://divya-b.in/KgR0bqIRTfb